ખત્રીવાડા, ગીર સોમનાથ ટકાઉ ખેતી
“મેં આ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહીં”
ભરતભાઈ બાંભણિયા ખત્રીવાડાની ખારી જમીનમાં ખેતી કરે છે. SSKKના કાર્યકરોની વાત તેમણે લાંબા સમય સુધી સાંભળી નહોતી.
ભરતભાઈ કાળુભાઈ બાંભણિયા ગીર સોમનાથના ખત્રીવાડામાં, દરિયાકિનારે, ખેતી કરે છે — જ્યાં જમીન ખારી છે. પરિવારમાં છ જણ, એક ગાય અને એક ભેંસ. ખેતી તેઓ વર્ષોથી કરે છે. માર્ચ ૨૦૨૧માં, બેટર કોટન કાર્યક્રમ સાથે જોડાયાનાં પાંચ વર્ષે, તેમણે આ વાત SSKKના વિજય સોલંકીને કહી હતી. નીચે તેમના જ શબ્દોમાં, થોડા સંપાદન સાથે.
છેલ્લાં પાંચ વર્ષથી હું SSKK અને કોટનકનેક્ટ દ્વારા ચાલતા કપાસની ગુણવત્તાના પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું. પ્રોજેક્ટની ટીમ આખા વર્ષ દરમિયાન, પાકના તબક્કા અને મોસમ પ્રમાણે તાલીમ આપે છે.
શરૂઆતમાં SSKKના કાર્યકરો મને મળવા આવતા ત્યારે તેઓ પ્રોજેક્ટનું આખું નામ કહેતા — બેટર કોટન ઇનિશિયેટિવ — અને સંસ્થાનું આખું નામ, અને પ્રોજેક્ટનો હેતુ, માપદંડ અને સિદ્ધાંતો સમજાવતા.
મેં આ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહીં અને મારી મરજી મુજબ ખેતી કરતો રહ્યો.
તેઓ મને મળતા રહ્યા. તાલીમમાં આવવાનું આમંત્રણ આપતા રહ્યા. હું તાલીમમાં ગયો. ત્યાં ખેતીમાં ખરેખર કામ લાગે તેવી સાચી માહિતી અને પદ્ધતિઓની વાત થતી. ધીરે ધીરે મને રોગ અને જીવાત વિશે સમજ પડી, અને મેં રાસાયણિક ખાતરનો ઉપયોગ મર્યાદિત કર્યો. ખેતીનો ખર્ચ ઘટ્યો. ઉત્પાદન વધ્યું.
જળ વ્યવસ્થાપનની તાલીમમાં તેમણે એકાંતરે ચાસ, ટપક અને ફુવારા સમજાવ્યા. કઈ પદ્ધતિ મોંઘી, કઈ વધુ નફાકારક, કઈ પાણી બચાવે. અમારું ગામ દરિયાકિનારે છે અને જમીન ખારી છે. આ તાલીમ પરથી મેં નક્કી કર્યું કે મારે ટપક નાખવું છે. તેમણે આ પદ્ધતિના ફાયદા-ગેરફાયદા અને સબસિડીની સામાન્ય માહિતી આપી.
મેં કપાસમાં ટપક નાખીને પહેલો પાક લીધો. વધુ વરસાદ અને જમીનમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે કપાસમાં ખાસ ઉત્પાદન ન થયું. પણ ત્યાર પછી મેં ત્રણ વીઘામાં ટપકથી ચણા કર્યા. તેમાં બીજા ખેડૂત ભાઈઓની સરખામણીએ મેં ઓછું પિયત આપ્યું છે, ચણાનો વિકાસ પણ સારો છે, અને મારો અંદાજ છે કે ઉત્પાદન પણ તેમના કરતાં વધુ આવશે. નિંદામણનો ખર્ચ મેં ઘટાડ્યો છે.
એટલે આ પદ્ધતિમાં ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. જ્યારથી મેં આ પદ્ધતિ અપનાવી છે ત્યારથી ખેતીમાં મહેનત ઓછી કરવી પડે છે, જુદા જુદા ખર્ચ ઘટ્યા છે, અને ઉત્પાદન વધ્યું છે.
નોંધ: વિજય સોલંકી, SSKK ક્ષેત્ર ટીમ, માર્ચ ૨૦૨૧.